શ્રી બાલામાતાની બાવની

જય બાલા તું મારી માત, જાંબલી છે તારા તાત
સાબર કાંઠે કરતા વાસ, વનરાજી શોભે ચોપાસ – ૨
વલાદ નામે સુંદર ગામ, પિતા પુત્રી વસતા તે ઠામ,
પિતા વરસાવે પુત્રી શું પ્રેમ, પણ પુત્રી ને પડે ન ચેન – ૪
પ્રાત: કાલે પૂર્વે દિશાય, રવિ દર્શન બાળા ને થાય
સંધ્યા ટાણે પશ્ચિમે જાય, બાળા ને નિત્ય દર્શન થાય – ૬
પિતા પુત્રી પર વહાલ કરે, પણ પુત્રી નું દિલ નવ ઠરે
પુત્રી પિતા શું પ્રશ્ન કરે, સુરજ મુજને કેમ વરે? – ૮
દહીં દીકરી સુમ તું વાત, કદી ના કરીએ આવી વાત
સુરજ છે ત્રિભુવન નો ભૂપ, કોઈ ના જીરવે તેના રૂપ – ૧૦
કોટી કોટી કિરણો મળી, સુરજ ની ઉત્ત્પત્તિ થઇ
એક કિરણ માં એવું તેજ, ભષ્મ કરે ત્રિભુવન ને છેક -૧૨
દીકરી છોડ સુરજ નો નેહ, પૃથ્વી પર છે કંઈક અનેક,
ના બાલા હું માનું નહિ, સુરજ સમકો પ્રતાપી નહિ. – ૧૪
સુણી જાંબાલી ચમકી ગયા, યોગાસન માં સ્થિર થયા,
પ્રાણ રંધી પ્રાણાયમ કરી, સુરજ સમીપે ગતિ કરી – ૧૬
પળ માં સુરજ પાસે જઈ, માં બળ ની કથની કહી,
સુણીને જાંબાલી ની વાત, રવિ એ પ્રગટ કરી નિજ વાત. – ૧૮
બાળા ને સમજાવે તાત, કોટી વર્ષ ના તપ ની વાત,
સુણીને બાલા સંમત થાય, ઉગ્ર તપ ની તૈયારી થાય. – ૨૦
તપ થી તપતા બાલા માત, સુરજ સમીપે દિન ને રાત,
તપ નો અવધિ પૂરો થયો, માં બાલા નો વિજય થયો. – ૨૨
સુરજ બાલા સમીપે જાય, બાલા નું અંતર હરખાય
માંગ માંગ તું મારી પાસ, પુરણ કરીશ તારી આશ. – ૨૪
બાલા માતા બહુ હરખાય, સુરજ ના સ્વપ્નાં દેખાય,
બોલી બાલા સુરજ પાસ, માંગું તુજ મમ અંતર વાસ. – ૨૬
સુણી સુરજ ને અચરજ થાય, આપ્યું વચન કેમ મિથ્યા થાય,
સુરજ વચન ને રહ્યા, બાલા ને તે ત્યાજ ઠર્યા, – ૨૮
દિવસો ઉપર દિવસો જાય, માં બાલા ને સુખ ની છાંય,
અંતે આવી દુ:ખ ની ઘડીય, યવન ઉમટ્યો ભારત ભણી – ૩૦
વલ્લભીપુર નો વિનાશ કરી, આવી પોહ્ચ્યા વલાદ ભણી,
બ્રાહ્મણો સૌ ભેગા થયા, યવન સમીપે યુદ્ધે ચઢ્યા. – ૩૨
જય બાલા માં, જય અંબે, જય શંભો ની હાકલ કરી,
ખેલાયો ત્યાં જબરો જંગ, બ્રાહ્મણોએ રાખ્યો રંગ. – ૩૪
બ્રાહ્મણ કુળમાં એક પાપી થયો, યવનરાજની પાસે ગયો,
સુણ રાજા તું મારી વાત, થાશે સર્વ બ્રાહ્મણનો નાશ. – ૩૬
સૂર્યનો અશ્વ અહી આવ્યા કરે, તે બાલાની રક્ષા કરે,
જો સાબરનીર મલીન થાય, અશ્વ આવતો અટકી જાય. – ૩૮
યવને ગાય ની કતલ કરી, છાટ્યુ રક્ત સરિતા મહી,
આવીને અશ્વ ઉભો રહ્યો, ગૌ રક્ત દેખી પાછો ગયો. – ૪૦
યવને આવી હુમલો કર્યો, સાબરતટ શોણીતથી ભર્યો
કોટી બ્રાહ્મણ ત્યાં કપાઈ ગયા સો મણ જનોઈના ઢગલા થયા. – ૪૨
કન્યા એક બાકી રહી ગઈ મહેમદાવાદ માં પોહચી ગઈ
ગર્ભવતી કન્યા તે હતી માં બાલાની પુત્રી તે સતી -૪૪
સતિનાં વંશજ વધતા ગયા, નવ ગામમાં તે પોહચી ગયા
નવમાંથી નવ્વાણું થયા, સમગ્ર વિશ્વમાં વસતા ગયા.- ૪૬
માં બાલા તુંજ બાવની લખી, બલાર્કોની કહાણી કહી,
બલાર્કો છે તારા બાલ, માં બાલા લે જે સંભાળ. – ૪૮
માતાજી શું રાખી પ્રીત, પ્રગટાવી શ્રદ્ધા નો દીપ
જે કોઈ માનું સ્તવન કરે, માતા તેના દુખડા હરે. – ૫૦
જે પર માતા કૃપા કરે, જનમ મરણના ફેરાં ટળે,
જે કોઈ માં પર શંકા કરે, લક્ષ ચોરાશી તે તો ફરે. ૫૨

                   દોહરો
માં બાલા બાવની જે કોઈ પ્રેમે ગાય
સંસારે સુખીયા થઇ અંતે સ્વર્ગે જાય
હરે બાલા હરે બાલા, માતા બાલા હરે હરે
હરે સૂર્ય હરે સૂર્ય, સૂર્ય સૂર્ય હરે હરે.